પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાતે જ એણે વાત ઉચ્ચારી: "તને ઘણા મહિના થઈ ગયા. માવતર ગઈ નથી. તે દી તારો ભાઈ બાપડો કોચવાઇને પાછો ગયેલો; તારાં માવતર પણ કોચવાતાં હશે. માટે રાજીખુશીથી એક આંટો જઈ આવ ને!"

"હં, તમે મને ફોસલાવો છે. મારે નથી જાવું."

"ના ના, તું વહેમા નહિ. લે, હુંય ભેળો આવું."

"હા, તો જઈ આવીએ."

ગાડું જોડીને બેય જણાં ચાલ્યાં. સોનબાઇનાં માવતરને આજ સોનાનો સૂરજ ઊગ્યા જેવું થયું. પનિયારીઓનાં ને ચોરે બેઠેલાં માણસોનાં મોંમાં પણ એક જ વાત હતી કે "કાંઇ જોડલી જામી છે! કાંઈ દીનોનાથ ત્રૂઠ્યો છે?"

વીકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો: "મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજીખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો."

વાત સાંભળીને સોનબાઇનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે "સાચું, ભાઇ, નગર જઈને કરમ ધોવો. તે વિના ભૂંડા અવતારનો આરો નથી."

બાપ બિચારો સોનબાઇના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુ:ખનો પણ ઉપાય થઈ શકશે. એણેય વાત પેટમાં રાખી લીધી.

બીજે દિવસે વાળુ કરીને સહુ સૂઇ ગયાં. પરોણા તરીકે વીકમસીની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મે વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વીકમસી છાનોમાનો નીકળી ગયો.

ચોમાસાની રાતનાં તમરાં રસ્તાની બેય દ્ર્શ્યે રોતાં હતાં. નદીનેરાં ખળખળીને દોડતાં જાણે કાંઇક ખોવાણું હોય એની ગોતણ કરતાં હતાં.

પ્રભાતે જમાઇની ગોતણ ચાલી ત્યારે સોનબાઇના બાપે સહુને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરનાં સહુ નાનાંમોટાંએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે "મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઊગરી ગઈ."

આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો