પૃષ્ઠ:Rasdhar 1.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊપડ્યો, "આંઇ હું શીદ આવી? અરે, મને ભોળવીને ભુલવાડી ગયો? મને છાની રીતે છેતરી? મારો શો અપરાધ હતો?" છાની છાની નદીકાંઠે ગઈ; છીપર ઉપર બેસીને ખૂબ રોઇ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું! ઘણા વિચાર કર્યા. પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઊપડી નહિ.

થોડા દિવસે ખબર આવ્યા કે વીકમસી તો પોતાની ઘરસંપત કાકાને સોંપી, રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ, બહેનને ખબર કર્યા વગર, ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે.

સોનબાઇની રહીસહી આશા પણ કરમાઇ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નથી.

થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમશી નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી-ઓઢાડી સાબદે કરી. મીઠડાં લઈને મા બોલી કે "બાપ! મારા ફૂલ! હરિની મોટી મે'ર, તે તારો ભવ બગડતો રહી ગયો."

સોનબાઇનું અંતર વીંધાઇ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઇ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી.

શિયાળાના દિવસો છે, આભમાંથી કુંજડાંએ નીચે ઊતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડાં ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂંડાં વઢાઇ રહ્યાં છે. નીચાં નમીને મોલ વાઢતાં દાડિયાં વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડી ગળે વલગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી ગાય છે: