પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેજભર્યો વીકમસી શું બોલી શકે? રૂંવાડી ઊભી થઈ ગઈ હતી. અંગેઅંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઇ ગઈ. માત્ર એટલું બોલાયું કે, "ભાઇ! મારા જીવનદાતા! માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો!"

"બસ ત્યારે, મારોય મનખો સુધર્યો, હું તરી ગયો." એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઇ! બહાર આવ."

સોનબાઇ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું! આ સાચું છે કે સ્વપ્નું! કાંઇ ન સમજાયું.

"મારા ગુના માફ કરજે! તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણાં પાછાં ઘેર જાવ. માતાજી તમને સુખી રાખે અને મીઠાં મોં કરાવે."

વીકમસી ઉપકાર નીચે દબાઇ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, "લખમશીભાઇ! આ ચામડીના જોડા સિવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઇ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં!" લખમશીએ રાજીખુશીથી હા પાડી.

સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઇનો હરખ હૈયામાં સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે, ઘોડી ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં લખમશીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વીકમસીને ઘેર પહોંચ્યા; એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમશીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વીકમસીએ બહેન રૂપીને લખમશી વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમશીને આગ્રહ કરીને રોક્યો. લખમશીને ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકનાં સગાંઓને તેડાવી, સારો દિવસ જોવરાવી વીકમસીએ રૂપીના લગ્ન કરી, સારી રીતે કરિયાવર આપી, બહેનને લખમશીના ભેળી સાસરે વળાવી.


𓅨❀☘𓅨❀☘