પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ભાઈબંધી


હોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રા વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠાં પાણીવાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરૂ રોજેરોજ મહેમાન ભાળીને ભારી પોરસાય છે. એક ટાણુંય એકલો રોટલો ખાતો નથી.

એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રો વરૂ દાતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે, એટલે માત્રો વરૂ ઘોડીઓનાં અંગેઅંગ ઉપર હાથ ફેરવી પોતાનાં પ્યારાં પશુઓની રેશમી રુંવાટી ઉપર ક્યાંયે ડાઘ તો નથી રહી ગયો ને, એની તપાસ કરી રહ્યો છે.

તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામરામ કર્યા. માત્રાભાઈએ સામા રામરામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર ચીંથરેહાલ છે; હાડકાંના માળખા જેવું શરીર છે, હજામત વધી ગઈ છે; છતાં એની અમીરાત અછતી રહેતી નથી; પાણીદાર આંખો અને વેંતવા પહોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરૂએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રો વરૂ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલા ગરાસિયો હોવો જોઈએ.

વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો.

41