પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ
રાજા જદુવંશરા, વે ડોલરિયો દેશ.

જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે, અને જ્યાં જદુવંશી જાડેજા કુળનાં રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. બાર ગામના ભાયાતી તાલુકા નળિયાકોઠારાનો એ તાલુકદાર હતો. પણ કચ્છભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂંક્યું. રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસંગનું પરગણું આંચકી લીધું. હઠાળો રજપૂત રાવની લાચારી કરવા ન ગયો, ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાંવહાલાંમાં ઘણા માસ ભટક્યો, આખરે પૈસેટકે ઘસાઈ ગયો. ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઊતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બનીને આજ માત્રા વરૂને ઓટલે બેઠો છે.

માત્રા વરૂએ એનો તિરસ્કાર ન કર્યો, એને પૂછપરછ પણ ન કરી; કારણ કે દુઃખિયાને શરમાવવા જેવું થાય. માનપાનથી જાલમસંગને રાખ્યો; હજામત કરાવી; ખૂબ નવરાવ્યો–ધોવરાવ્યો; બે જોડ નવાં લૂગડાં કરાવી આપ્યાં. પોતાની સાથે જ બેસાડીને જમાડતા. જાલમસંગ પણ કાંઈ બોલતો નથી. મુખમુદ્રા પર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નળિયાકોઠારા સાંભર્યા કરે છે અને –

નીંદર ના’વે ત્રણ જણાં, કૉ’ સખિ, કિયાં?
પ્રીતવછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં.

[હે સખી! કહે તો ખરી : કયાં ત્રણ જણાંને નિદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયાં હોય, જેનાં ઉપર ઘણાં કરજ (ઋણ) હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ ત્રણને નિદ્રા ન આવે.]

– એ ન્યાયે જાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વીતાવે છે. આવી રીતે પંદર દિવસ વીત્યા. પછી તો જાલમસંગને શરમ આવી. એણે રજા માગી. માત્રા વરૂએ કહ્યું: “ભાઈ, આંહીં ઇશ્વરે જાર-બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહિ પડો.”

જાલમસંગની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ ન રોકાયો,