પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલી નીકળ્યો. માત્રા વરૂએ પાશેર અફીણ, દસ રૂપિયા તથા બે જોડ લૂગડાં સાથે બંધાવ્યાં.

ચાલતો ચાલતો જાલમસંગ નાગેશરી ગામને પાદર આવ્યો. થાકી લોથપોથ થઈ એક ઓટા પર સૂતો સૂતો વિચારે ચડ્યોઃ આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિ છું: મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતાં બહારવટું ખેડીને કાં ન પ્રાણ આપું? સદ્‌ગતિ તો થશે! અને કદાચ પ્રભુ પાધરો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બહારવટું કરવું કેવી રીતે? મારી પાસે તરવાર તો છે, પણ ઘોડું ક્યાં? હાં, યાદ આવ્યું. હેમાળે, માત્રા વરૂની ઘોડારમાં. આપશે? આપે નહિ! ત્યારે બીજું શું? ખા...ત...૨...? અરર! જેનું ખાધું એનું જ ખોદવું? પાપનો પાર રહેશે? કાંઈ વાંધો નહિ. પાછળથી એકને સાટે દસ ઘોડાં દઈશ.

મનસૂબો થઈ ચૂક્યો. જે દસ રૂપિયાની ખરચીમાત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધાં. લઈને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી; મધરાત થઈ. જાલમસંગ માત્રા વરૂના દરબારગઢની પછીતે (ભીંતે) જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા (બાકોરું ખોદવા) લાગ્યો. ગઢમાં તો બધાંય ઘસઘસાટ ઊંઘતાં હતાં. કોદાળીના ઘા કરીને એ ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું.

રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્રો વરૂ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જ એનો સાચો ગરાસ. માત્રા વરૂએ માણસોને ઉઠાડ્યાં, પહર ચારવા ઢોર છોડ્યાં. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય. એ રીતે માત્રો વરૂ પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો.

જાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો. પણ શ્રાવણ માસની મેઘલી રાત: માથે ખૂબ વરસાદ પડેલો: પવનના સુસવાટા પણ નીકળેલા: બંધાણી આદમી; જર્જરિત શરીર; તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી: એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થરથર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ નહોતું. ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું. પણ એમ અફીણનું અમલ