પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેમ ચડે? ઉપર ચલમ તો પીવી જોઈએ. ચલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને દટાઈ ગઈ. મરણિયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રા વરૂએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈને પીધો, તોય શરદી ન ઊતરી. શરદી ઊતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય! બહુ મૂંઝવણ થઈ પડી. શું કરવું?

ઓરડામાં નજર ફેરવી: રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે, તેમઓરડામાં ઊંચે ઢોલિયેસુંવાળી રેશમી તળાઈ અને હુંફાળાં ઓઢણ દીઠાં. બેહોશ દેહ ધ્રૂજતો ધ્રૂજતો કાંઈ સમજ્યા વિના ઢોલિયે ધસ્યો. પણ ઢૂકડો જતાં જ થંભ્યો. જાણે આંચકો લાગ્યો. ઢોલિયે કોઈક સૂતું છે.

જબ્બર કાયા, નમણું ઘઉંવર્ણું મોઢું; થોડે થોડે ઘરેણે શોભતાં નાક, કાન ને લાંબી ડોક; ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોપચે ઢાંકી બે આંખઃ કેવાં અનોધાં તેજ એ આંખડીઓમાં ભર્યાં હશે? એ બાબરિયાણી પોઢેલી હતી: ડુંગરામાં ભમનારી, શૂરવીરની ઘરનાર હતી: નિર્દોષ, ભરપૂર ને ભયંકર! ફણીધરના માથા ઉપર મઢેલા મણિ જેવી.

પણ જાલમસંગની આંખે અંધારાં હતાં. રજપૂતની નજર પારકાં રૂપ નીરખવાનું નહોતી શીખી. આ વાતનું એને ઓસાણ જ નહોતું; એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઊતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણું છે.

એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે, બનાવટી ગરમી હવે કામ કરતી નથી, જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. આંહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કાં ધણી હોય ને કાં છોકરું હોય, હે મધરાત! હે વિચૂંભર! તમે સાખિયા રે’જો.

પથારીમાં માત્રા વરૂનું પડખું ખાલી હતું. બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ-ધમણ અને નસકોરાંની ધીરી બંસી જેવો સૂર, એ સિવાય બધુંય શાંત હતું. જાગી જશે એવો ભય નહોતો.

વચ્ચે ખુલ્લી તરવાર મૂકીને જાલમસંગે શરીર ઢાળ્યું. સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઊઠી જઈશ એમ જાલમસંગના