પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનમાં થતું હતું, ત્યાં તો બંધાણીની આંખ બિડાઈ ગઈ. એટલો થાક, એટલી શરદી, તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ! નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘી ગયો. પહોર પછી પહોર વીતવા લાગ્યા.

પ્રભાત થયું, ત્યાં પહર ચારીને માત્રો વરૂ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તરવારની મૂઠ પર પડ્યો. નજરે જોયા પછી બીજી શી વાર હોય? બન્નેના કટકા કરવા એણે ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો, મૂઆ માણસના ભૂત જેવો આદમી! પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો: આવા ઉપર આ બાબરિયાણી મોહે? આ મુડદાની ઉપ૨? અને આ સ્ત્રી-પુરુષ વચ્ચે તરવાર શાની? કાંઈક ભેદ છે. મારીશ, પણ એક વાર ખુલાસાનો સમય આપીશ. પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો, ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેબાકળી બેઠી થઈ ગઈ.

“આ કોણ ?” માત્રાએ આંગળી ચીંધાડી.

પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી; એટલું જ બોલી શકીઃ “હું કાંઈ નથી જાણતી.”

“ઠીક, જા, જલદી શિરામણ તૈયાર કર.”

સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રા વરૂએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો, બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું. માત્રા વરૂએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા; કહ્યું: “ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે.”

મહેમાન જાગ્યો. આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા! પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે, રાવની ફોજને ધમરોળે છે, રાવને મહેલે ચડે છે – એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામે ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે!

પણ એ જાણે કાંઈયે બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો. કોગળા