પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યા, મોં ધોયું. ધોબા ભરી ભરીને માત્રો વરૂ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી. આગ્રહ કરી કરીને, સોગંદ આપી આપીને, માત્રા વરૂએ કસુંબો લેવરાવ્યો. પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું. હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા: “બસ, માત્રા વરૂ, હવે તો અધૂરી મહેમાનગતિ પૂરી કરો.”

વરૂએ કહ્યું: “સાચું કહી દ્યો. શું થયું?”

“વિશ્વાસ પડશે?”

“નહિ પડે તો તરવાર ક્યાં આઘી છે?”

“મોતની બીક હવે મને ન હોય.”

“ત્યારે બોલો.”

જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બિના કહી બતાવી. ઘોડારમાં પાડેલું બાકોરું બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી. સાંભળીને માત્રો બોલ્યો: “ભાઈ! જો આમ હતું તો એ વખતે ઘોડી માગી કાં ન લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી?”

“અરે બાપ! મારી દશા ફરી, એટલે જ મને કુમત્ય સૂઝી.”

માત્રા વરૂએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું. રૂપિયા એક સો રોકડા જાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી, ડેલીએ જઈને બોલ્યા: “લ્યો જાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાવ ને ગરાસ ઘેર કરો.”

જાલમસંગે હાથમાં લગામ તો લીધી, એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી; એ ધારતો હતો કે થોડે આઘે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે.

માત્રા વરૂએ એક બાજુનું પેંગડું પકડ્યું, મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભના રામરામ કહ્યા. જોતજોતામાં તો ઘોડી હેમાળનાં ઝાડવાં વટાવી ગઈ.