પૃષ્ઠ:Rasdhar 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ જાલમસંગનો ગરાસ ઝૂંટાયો, એમ કાલે આપણો પણ ઝૂંટાશે. જાલમસંગ સહુના સામટા બળે ઝૂઝવા લાગ્યો.

રાવની ફોજ આવા આખા ભાયાતમંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. જાલમસંગનું મનામણું કર્યું, પરગણું પાછું સોંપ્યું. એટલું જ નહિ પણ એ અન્યાયનાં તમામ વરસોની નુકસાની ભરી આપી.

કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય, કોઈ મુસાફર જતો હોય, ગમે તે જતો હોય, તે તમામની સાથે જાલમસંગ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે ‘માત્રાભાઈને કહેજો, એક આંટો આવી જાય.’ એવાં અનેક જણાં જઈને માત્રા વરૂને સંદેશો આપે; પણ વિનાનિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામતરે શી રીતે નીકળાય? જાલમસંગના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને માત્રો વરૂ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો.

સંવત 1885માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો. કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ. માત્રા વરૂ જેવા માલધારીનો આધાર તો કેવળ મે-પાણી ઉપર જ હોય. એટલે દુકાળે એનાં ઢોરનો કચ્ચરઘાણ વાળ્યો, એનું ગામ ઉજ્જડ થયું. એવાના ઘરમાં નાણું બહુ ન હોય; હતું એટલું ઢોરને ખવરાવી દીધું. એને ઉંબરે ભૂખમરો આવી ઊભો. સ્ત્રી-પુરુષને બંનેને ત્રણ-ત્રણ તો લાંઘણો થઈ. માત્રો વરૂ ક્યાં જાય?

ચતુર સ્ત્રીએ સંભારી આપ્યું કે “કચ્છ જાયેં. જાલમસંગભાઈ જરૂર આશરો દેશે.”

માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું, પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું. બેય ચાલી નીકળ્યાં. બાઈના માથા ઉપર