પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફક્ત એક કોડીજડેલો સૂંડો, અને એમાં થોડાક ગાભાઃ એ જ એની ઘરવખરી હતી.

જોડિયા બંદરે ઊતરીને ધણી-ધણિયાણી નળિયાકોઠારાને માર્ગે ચડ્યાં. પાદર પહોંચ્યાં. પાદરમાં એક તળાવડી હતી. માત્રા વરૂએ બાઈને કહ્યું: “તું આંહીં બેસજે. હું ત્યાં જાઉં. એનું મન કેવુંક છે તે જોઉં, આદરમાન જોઈશ તો તને તેડી જઈશ. નહિ તો બેય જણાં બીજે ક્યાંક ચાલી નીકળશું.”

બાબરિયાણી તળાવડીની અંદર કરમડીના ઢૂવાની ઓથે બેઠી. માત્રો વરૂ ગામમાં ગયો. બજારની સામે જ દરબારગઢ હતો. ડેલીએ બેઠાં બેઠાં જાલમસંગે મહેમાનને આવતો જોયો. પોતાના મિત્રની અણસારી આવી, પણ મનમાં થયું કે “અરે! માત્રા વરૂની કાંઈ આવી હાલત હોય?” વળી વિચાર આવ્યો કે કેમ ન હોય? હું બાર ગામનો ધણી હતો, તોય બેહાલ બની ગયેલો; ત્યારે આ તો માલધારી છે. એને પાયમાલ થતાં શી વાર?” ત્યાં તો મહેમાન નજીક આવ્યો, બરાબર ઓળખાણો, ડેલીમાંથી સામી દોટ કાઢીને જાલમસંગે મિત્રને બાથમાં લીધો. માણસો ચકિત થઈ ગયા. સૌને ઓળખાણ પડાવી, પછી પૂછ્યું: “પણ મારાં બોન ક્યાં?”

“પાદર. તળાવડી કાંઠે બેઠેલ છે.”

“અરર! ત્યાં બેસાડી રાખ્યાં?” જાલમસંગે પોતાની પાસે ચાર વરસનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું: “જા બેટા, તારી માને કહે કે રથ જોડીને બધાં ગાતાં ગાતાં પાદર જાય ને ફુઈને તળાવડીની પાળેથી તેડી લાવે.”

‘ફુઈ!’ એવું નામ સાંભળીને ગગુભાએ દોટ મૂકી.

ફુઈ! અને તે તળાવની પાળે! ઓહો! કેવી હશે એ ફુઈ! અદ્‌ભુત ફુઈ! હું પરબારો જ જાઉં! એકલો જઈને તેડી લાવું! માબાપ પાસે જશ ખાટું! એવા અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા. દરબારગઢની અંદર ન જતાં એ તો પાદર તરફ જ દોડ્યો, લોકોની હડફેટને ગણકારી નહિ. તળાવડીને કાંઠે આવ્યો. સૂકી તળાવડીની અંદર, કરમડીના ઢૂવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે. બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે “આઈ માલી ફુઈ થે ને?”