પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્ત્રીએ બધી વાત કહી; દાગીના બતાવ્યા. સાંભળીને માત્ર વરૂ પથ્થરનું પૂતળું બની ગયો!

“તેં – તે આ ગજબ કર્યો!”

“મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે. મનમાં થયું કે આંહીં ભાઈ આદરમાન નહિ આપે તો કાલે ક્યાં જઈને ખાશું? હું અસ્ત્રી જાતઃ બુદ્ધિ બગડી. ડોક મરડીને મુડદું તળાવડીની અંદર કરમડીના ઢૂવામાં દાટ્યું છે.”

પછેડીમાં દાગીનાની પોટલી બાંધી, બગલમાં છુપાવી. માત્રો વરૂ કાળુંધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો. એકાંતમાં બોલાવીને કહ્યું: “શા માટે નિર્દોષને પીટો છો? આ રહ્યાં અપરાધી!” એમ કહીને દાગીના બતાવ્યા, બધી હકીકત કહી.

જાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલી. એ બોલ્યા: “માત્રાભાઈ! ચૂપ જ રહેજો. લાવો દાગીના. મારી પાસે. ખબરદાર, જરાયે કચવાશો નહિ. હું હમણાં આવું છું.”

બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે જાલમસંગ એકલા તળાવડીમાં પહોંચ્યા.

ઢૂવા પાછળ લપાઈને કુંવરનું મુડદું કાઢ્યું. એકેએક દાગીનો મુડદાને ફરી પહેરાવી દીધો. મુડદાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને “એલા, અહીં અગાશી ઉપર તો ગગુ નથી ગયો ને?” એમ બોલતા ઝપાટાભેર અગાશી પર ગયા. બાળકના મુડદાને અગાશીની દીવાલ ઉપરથી ભરબજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી: “અરર! ગજબ થયો. ગગુ પડી ગયો.”

પોતે નીચે ઊતર્યા. ગગનું મુડદું બજારમાંથી લાવવામાં આવ્યું. પછી ઠાકોરે સહુને કહ્યું: “હું ઉપર જોવા ગયો, ગગુ બારીમાં રમતો હતો. મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો, દોડ્યો, ડરથી પડી ગયો.”

“ભાઈ! તમારો ઘોર અપરાધ કર્યો છે. હવે અમને રજા આપો.”

“માત્રાભાઈ! મારા જીવનદાતા! કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ?