પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર, ને ક્યાંથી હોત આ મોલાત-મેડી?”

“પણ જાલુભા! અમારાં પગલાં ગોઝારાં થયાં!” એમ બોલતાં માત્રા વરૂનું હૈયું ભરાઈ આવ્યું.

“માત્રાભાઈ! આમ જુઓ, એક વરસ રહો, અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું. ગગુ તો ઘણા મળશે, પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું, તો પછી ક્યાં ગોતું?”

માત્રાભાઈના ને બહેનના મનનું સાંત્વન થયું. બન્ને જંપીને ત્યાં રહેવા લાગ્યાં. આદરમાનમાં લગારે ઊણપ આવી નહિ, દીકરાના મરણની વાતનો તો જાલમસંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો. ગઢમાંથી એ વાત જ બંધ કરાવી.

પાંચ વરસ વીતી ગયાં. કાઠિયાવાડમાં સારાં વરસ થયાનું સાંભળ્યું. માત્રા વરૂને જનમભોમ યાદ આવી. એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી.

“ભાઈ! આંહીં રહો તો મારાં છ ગામ કાઢી આપું.”

માત્રો વરૂ માન્યો નહિ. પછી ઠાકોરે ગાયો આપી, ભેંસો આપી; ઊંટ આપ્યાં. કળશીના કળશી દાણા દીધા, સાથે બે ઘોડીઓ આપી, રોકડા રૂપિયા બંધાવ્યા. પોતે હેમાળ મૂકવા આવ્યાં ને ત્યાં છ મહિના રહ્યા. તેનું ગામ ફરી વસાવી દીધું. એવો મિત્રધર્મ બજાવી જાલમસંગ પોતાને વતન પાછા વળ્યા.

[આ ઘટના જુદા જુદા માણસોનાં નામ પર ચડાવવામાં આવે છે. જાણકારો

કહે છે કે હેમાળ ગાદીમાં માત્રો વરૂ નામે કોઈ બાબરિયો થયો જ નથી. નામફેર તો હોઈ શકે છે. બીજી બાજુ ઓખામંડળની અંદર વસાઈ ગામના વાઘેર સૂરા માણેકને વિષે આ જ વાત પ્રચલિત છે.]

𓅨❀☘𓅨❀☘