પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કસૂંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામ રામ કર્યા. "રામ!" વોળદાને સામા કહ્યા. "ક્યાં રે'વા?" "રે'વા તો બરવાળે." "બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?" "હા, આપા. ઘેલાશાનું બરવાળું." 'ઘેલાશાનું બરવાળું' કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું -

તારા જે ચાચરિયો તણો, (કેથી) ભાગ જ ભરાય ના,
સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.


ઓ વોળદાન! તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહિ. એ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ! તારાં ખળાં તો એ ભરી રિયો!

ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોળદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઊપડતે પગે બરવાળે પહોંચી ગયો.

બાપનું નામ માધાશા; માનું નામ લીલબાઈ: અસલ વતની મૂળીના: ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા; રાજના કામદાર નિમાયા: એમ કરતાં લીંબડી ઠાકોરે પોતાનાં બાર ગામ બરવાળા પંથકનાં હતાં તેનો વહીવટ કરવા માધાશાને બરવાળા મોકલ્યા.

અ બરવાળું અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી આઠ ગાઉ ઉપર ભાલને કાંઠે એ ગામનાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મે' સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહિ. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નખી પણ કાઠીઓ માન્યા