પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઇ, મૂછે હાથ નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લ ઇ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઇ. ત્રીજી, ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગ ઇ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું.

જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થ ઇ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલાં. જામે કહ્યું, "ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા પાંચ ગામ 'જાવચંદર દિવાકરા' ("યાવચ્ચન્દ્ર દિવાકરૌ": ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી) લખી આપું."

ઘેલાશાએ જવાબ વાળ્યો: "મહારાજ! એ આપનો પાડ થયો. પણ માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ - પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ."

"કામદાર, બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા."

"જોઉં ઇ દસ્તાવેજ, દરબાર!" દાજી ચમક્યા.

દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લ ઇને વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો: "મને તેડાવવો'તો તો ખરો! આટલી ઉતાવળ શીદ કરી? "

"કાં?"