પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગ ઇ હતી, એટલે બેલાના ચારણ કાળા સ ઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો:

ખસનો તો તુંને ખટકો ન ઇ, ખોળછ ખેતરડાં,
ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!

હે માધાશાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં) ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?

એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ પછી દાજીએ કોઇ દિવસ નજર ન નાખી.

એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી જામનાં મહેમાન બન્યાં. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને મળવા જસો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને જોવાનું મન કેમ ન થાય?

જામસાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી: "ઘેલાશાને દરબારમાં તેડી આવો."

લીંબડી ઠકોરે ઉત્તર દીધો: "મહારાજ! એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે અહિં જામના દરબારમાં ન શોભે."

"એવી તે વળી ક ઇ આદતો છે, ઠાકોર?"

"કોઇ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી વાળીને બેસે; ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઇને નમે નહિ."

"કાંઇ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઇ લેશું."