પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ રિસાઇને ટૂંટિયાં વાળી સૂતેલો. ઠકોરે પૂછ્યું, "કાં ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયાં વાળીને સૂતા છો?"

ચારણ બોલ્યો, "અન્નદાતા, બરવાળાને સીમાડે માર પગ ઠબે છે."

એ મર્મ-વાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલાશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી.

તરત ફોજ તૈયાર થ ઇ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો ફૂટે છે; ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિશ્ઠીના કહેણ મોકલ્યાં. બારીમાં થ ઇને વિશ્ઠી કરવા માણસો ગામમાં પેઠાં. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહિ.

દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર્ ખળભળિયા નામનો વોંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું:

સખ કરી સૂવે નહિ, રૈયત ને રાણા,
[એવો] માંડ્યો તે માધાણા, ગોરખધંધો ગેલિયા!

હે ઘેલાશા, તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઇ શકતા નથી.


એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટક એણે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાનાં માલિક લીંબડી દરબારને ખાતર ઉઠાવી.

બરવાળાની આસપાસ બેલા, ચારણકી, વગેરે ચારણોનાં ગામો ઉપર