પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૂપિયા બાવીશ હજારની 'કાયમી જમા' લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહી છે.

તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?

અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરત આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી માતા લીલબાઇ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે.

ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા: "દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!"

લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાશાના રૂંવાડા છમ! છમ! છમ! બેઠાં થ ઇ ગયાં. એણે હાક મારી: "ભાઇ! ઝટ મારી ઘોડી છોડો!"

માણસોએ સમજાવ્યા: "અરે દાજી! આ તો સરકારી તિજોરી લૂંટાણી છે; અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારુ આપણે શીદ મરવા જાવું?"

"અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?"

એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં નીકળતાં પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટનારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે હાથે તલવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એમણે શબાશી આપી છોડી મૂક્યા.

અહીં બરવાળામાં માતા લીલબાઇને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે: "લીલબાઇ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી