પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તિજોરીને બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે."

ડોશીની આંખ ઊઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડોશીઅ કહેવાથી ઘેલાશાએ 'ભીમનાથ' નામના શંકરની જગ્યામાં ચારસો વીઘા જમીન બક્ષીસ કરી.

શેઠ કુટુંબ લીંબડીનું મોટું ને આબરૂદાર કુટુંબ ગણાય: પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ગામે ખરખરે આવ્યા. બહુ અફસોસ બાતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડા ચડાવેલા તે બધાં પાછાં સોંપ્યાં.

આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા: "શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે આંહી લીંબડીમાં તમારે ન પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?"

સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એક વાર પાછી ફરેલી કન્યાને એન એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં સાસરિયાનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઇએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઇ પણ શાણો હતો. ભૂલ ન કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઇ ગયું. એણે જવાબ દીધો: "શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીંબડીમાં જ વરશે; બીજે ક્યાંય નહિ વરે."

એટલું કહીને એ ચાલી નીકળ્યો.

વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠકુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો ઘેલાશા જ છે. પણ ઘેલાશા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોરસાહેબને ભળાવ્યું.

ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું, ઘેલાશાએ કહ્યું: