પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો."

ઠાકોરે માગ્યું: "તમારા દીકરા મોરભાઇનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો."

ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વેર થશે. પણ વચને બંધાયા! શું કરે?

લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચારી રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યો કે: "હું આપને ખાતરી આપું છું કે આંહીથી નહિ, બરવાળેથી જાન જોડીશ."

પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા.

પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા: "મારી લાચારી આપના કાંઇ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ: મારા ઘરની દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ મોતી પરોવશે અને હાલતાં-ચાલતાં તમે તે જોશો. "

આટલું કહીને દાજી ચાલ્યા અને પછી-

ધાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોર,
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.

એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચડાવ્યો.[૧] એનો આ દુહો પણ જોડાણો:

શેઠુંહદાં છોકરાં ઉંયે કરતાં આળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,
  1. * આ ગોખ સંબંધી હકીકત એવી બની હતી કે તે ગોખ સામે જ શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના ઉર્ફે ઢૂંઢિયા ધર્મના સાધ્વીઓ માટેનો ઉપાશ્રય હતો, તે ઉપાશ્રયના ગોખની સામે આ ઘેલાશાનો ગોખ બંધાવા માંડયો. ઘેલાશા પણ ઢૂંઢિયા હતા અને શેઠનું કુટુંબ પણ ઢૂંઢિયા ધર્મ પાળતું હતું. એ ઉપાશ્રય શેઠ કુટુંબે જ બંધાવેલો હતો. ઘેલાશાનો ગોખ આ પ્રમાણે સાધ્વીઓ ધર્માર્થે બેસતાં બૈરાઓની સામે જ ચણાય તે સામે શેઠકુટુંનબે ઘણો વાંધો લીધો, પણ ઘેલાશા ન માન્યા અને ગોખ બાંધ્યો.