પૃષ્ઠ:Rasdhar 1.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.

આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનવવા ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઇએ તેવો તેમણે આગ્રહ કર્યો તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું.

આમ પણ કહેવાય છે: શેઠવાળઓએ રાજ્યને એવી લાલચ આપી કે 'જો ઘેલાશાને એક્વાર કેદમાં નાખો તો અમારા રૂપિય છ લાખ રાજ પાસે નીકળે છે તે છોડી દ ઇએ.'

હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો કહે: "માડી, મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહિ."

ઘેલાશા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને તો કોઇ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા.

ઘેલાશા કહે: "એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો."

પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!

ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.

એ વખતે સનાળીના ચારણકવિ કશિયાભાઇ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં આવ્યા. [૧] દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને

  1. * કોઈ કહે ચે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા, પણા ગીતા રકીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો.