પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ભોળો કાત્યાળ


ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો.

ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયાવાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી.

"આમ ક્યાં સુધી, આપા ?" દરબારે સવાલ પૂછ્યો.

"શેર બાજરી મળે ત્યાં." કાઠીએ ઉત્તર વાળ્યો.

"ત્યારે અહીં રહેશો ?"

"ભલે."

"શું કામ કરશો ?"

"તમે કહેશો તે."

"બહુ સારું; આપણી ભેંસો ચારો અને મોજ કરો."

બીજા દિવસથી ભોળો કાત્યાળ ભેંસો ચારવા લાગ્યા. પાછલી રાતે ઊઠીને પહર ચારવા જાય, સવારે આવીને શિરામણ કરે, વળી પાછાં ઢોર, તે સીમમાંથી દિ' આથમ્યે વળે. બહુ બોલવું-ચાલવું એને ગમતું નથી. માણસોમાં ઊઠવા-બેસવાનો એને શોખ નથી.

એક વખત મધરાતનો સમય છે. ટમ ! ટમ ! ધીરો વરસાદ વરસી રહ્યો છે; ભોળો કાત્યાળ એકઢાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઇક સંચાર થયો. અંધારામાં કાત્યાળ ત્યાં જઇને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય