પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભોળો કાત્યાળ એકઢાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઇક સંચાર થયો. અંધારામાં કાત્યાળ ત્યાં જઇને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય એવું લાગ્યું. પોતાની તલવાર હાથમાં ઝાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા. થોડી વારે ભીંતમાં બાકોરું પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાત્યાળની તલવારને એક જ ઝાટકે એ ચોર 'વોય' કરીને પડ્યો.

અંદર એ અવાજ થયો, એટલે બહાર ઊભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા. કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે ત્રણે જણ પાછા વળીને ઊભા. કાત્યાળે કળા કરી. કોઇ દરદીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા :

"અરર ! ભલા માણસ ! ભાગી જાવ છો ને ? મને ઘોડીએ પાટુ મારી તે કળ ચડી ગઇ છે. એક જણ તો અંદર આવો !"

ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો. એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાત્યાળની તલવારે એક ઘાએ જ પૂરો કર્યો. પછી તો બહાર ઊભેલા બે જણા ભાગ્યા. કાત્યાળ બહાર નીકળ્યા. બેઉ ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો; બીજો હાથમાં આવ્યો નહિ એટલે તલવારને પીંછીથી પકડીને કાત્યાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો, અને એ પણ જમીનદોસ્ત થયો.

ચારેનાં મડદાં ઉપાડીને કાત્યાળે તબેલામાં ઢગલો કર્યો. પેલી પીંછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાત્યાળના હાથનાં આંગળાં પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધીને કાત્યાળ તો પાછા સૂઇ ગયા. અને ટાણું થયું ત્યારે પહર ચાલી નીકળ્યા.

સવાર થયું; આપો માણશિયાવાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા; જુએ ત્યાં તો ચાર માણસોનાં મડદાં ! 'આ પરાક્રમ કોણે કર્યું ? કોણે કર્યું ?' એ પૂછપરછ ચાલી.

એક કાઠી હસીને બોલ્યો : "એ તો તમારે પ્રતાપે, દરબાર ! એમાં શું મોટું કામ કરી નાખ્યું છે ?"

દરબાર સમજી ગયા કે આ ભાઇ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે. મર્મમાં દરબાર બોલ્યા : "અહો ! એમ ? આ તમારાં પરાક્રમ, બા !"

કાઠી બોલ્યો : "અરે દરબાર ! એમાં કૂતરાં મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે ?"