પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરબાર કહે : "વાહ ! વાહ ! શાબાશ ! ભારે કામ કર્યું."

સવારમાં ભોળો કાત્યાળ પહર ચારીને પાછા વળ્યા, દેગડી લઇને ભેંસ દોવા બેઠા; પણ એક હાથમાં તો ઇજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણશિયાવાળાની નજર ગઈ. હાથમાં પાટો જોયો; દરબારે પૂછ્યું :

"કેમ એક હાથે ભેંસ દોવો છો ? આંગળીએ આ શું થયું છે, ભોળા કાત્યાળ ?"

"કાંઇ નહિ, બાપુ ! જરાક તલવારની પીંછી વાગી છે." કાત્યાળે જવાબ વાળ્યો.

"કેમ કરતાં વાગી ?"

કાત્યાળે બધી વાત કરી, દરબાર દિંગ થઈ ગયા. પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું : "કેમ ભાઈ, કોણે આ ચાર જણાને માર્યા ? તમે તો બહુ બડાઈ ખાટતા હતા !"

નિર્લજ્જ કાઠીએ જવાબ દીધો : "અરે બાપુ, ચાર ચાર માણસોનાં ખૂન માથે લેવાં એ કયાં સહેલું છે ? બીજા કોઈની હિંમત ચાલી હતી કે ?"

આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો : "એમ કે ? કાઠીભાઇ ભાગે તોય ભડનો દીકરો કે ?"

ભોળા કાત્યાળને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજૂરમાં રાખ્યા.

ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી. પણ પારકાની સ્ત્રીને શી રીતે પરણી શકાય ? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો ભેટ ધરી. દરબાર ખુશ ખુશ થઇ ગયા. થોરીએ પોતાનો ઇરાદો જણાવ્યો. દરબારે પણ ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો : "હવે, જાવ ને, તમે કોળાં ગમે તેમ કરી લ્યો ને."

થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસારી.

ભોળો કાત્યાળ ગામ ગયા હતા. તેણે ઘર આવીને આ વાત સાંભળી,