પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરબારને બહુ ઠપકો દીધો.

એ બાઇનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો. સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો; જઇને કહ્યું : "બાપુ ! આમ કરવું તમને ઠીક લાગ્યું ? તમને ભેંસોની જરૂર હતી તો મને કાં ન કહ્યું ? હું આખું ખાડું લાવીને હાજર કરત; પણ મારું ઘર ભંગાવ્યું ?"

દરબારે ઉડાઉ જવાબ વાળ્યા.

થોરીએ કહ્યું : "પણ બાપુ ! ભેંસનાં દૂધ ખારાં લાગશે હો !"

દરબાર ખિજાઇ ગયા : "જા, ગોલકા, તારાથી થાય એ કરી લેજે."

થોરીએ બહારવટું આદર્યું. ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સૂતા નહિ. રોજ પથારીની જગ્યા બદલે. ડેલી ઉપર બરાબર ચોકી રાખે. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા; દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો.

પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા.

આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મે'માન હતો નહિ, તેથી દરબારનાં વહુએ આવીને ડાયરાને કેટલાંક કડવાં વેણ સંભળાવ્યાં. મેણાં માર્યાં કે 'દૂધ-ચોખા ખાતાં શરમ નથી આવતી દાયરાને ?'

ભોળો કાત્યાળ કમકમી ઊઠ્યો. પોતાની દૂધની તાંસળી ઊંધી વાળી સોગંદ લીધા. બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે ઠેકાણે ઓળા બાંધ્યા. એક માર્ગ ઉપર એક બીજા જણને લઇ ભોળો કાત્યાળ બેઠો છે. રાતનું ટાણું થયું. કાત્યાળે જોયું તો આઘે આઘે ઝાડની ઘટામાં દેવતાનો કોઇ અંગારો ઝબૂકતો હતો. કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે; એ અંગારો નથી, પણ દુશ્મનની બંદૂકની જામગીરી ઝગમગે છે.

થોરી ચાલ્યો આવે છે. કાત્યાળ બરાબર વાટ જોઇને બેઠા છે. તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો : 'એ આવ્યો !' કાત્યાળએ તેના મોઢા આડે હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો, એકદમ ભાગ્યો. કાત્યાળ વાંસે થયા. ડુંગરાના પડધારામાં બેઉ દોડ્યા જાય છે. કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો,