પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેત્રુંજી ઢૂંકડી આવી તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો. બરાબર જનોઈવઢ તલવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાત્યાળ વાંસે પડ્યા. થોરી સામે કાંઠે નીકળી કાંઠો ચડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઊખડી પડે છે. દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાળના પગ પાસે આવી પડે છે. કાત્યાળે તલવાર ઉપાડી કે ચોરીએ બૂમ પાડી : "કાકા, હવે ઘા કરશો મા, તમારો એક ઘા બસ છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે."

કાત્યાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેંટો ફાડીને કાત્યાળે એનો જખમ ઉપર જોરથી બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોરી આવીને હોકો માગીને પીવા લાગ્યો.

આખી રાત હોકો પીતાં પીતાં થોરીએ થોડીક આપવીતી કહી : "બાપુ ! એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ-ચારણિયાણી ભરનીંદરમાં સુખે સૂતેલાં. રૂપાળી એ અધરાત હતી. થોડોક ખડભડાટ થયો એટલે ચારણ જાગી ઊઠ્યો. અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો. ઘોડી ફરડકા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઇ સર્પ જેવું જાનવર હશે. ઘોડીને બુચકારતો બુચકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે; હું દોડીને ચારણને બાઝી પડ્યો, અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલ્યા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં, ત્યાં તો જાગી ઊઠેલી ચારણ્યે દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઇનેય ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો. પછી ચારણ-ચારણી પડદે પડ્યાં. બાઇ તો બીજે દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા."

"પળે પળે ચારણ પૂછ્યા કરે કે 'ચારણ્યને કેમ છે ? એ ક્યાં છે ?' એને જવાબ મળે કે 'ઠીક છે, ઠીક છે,' એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરખરો કર્યો. ચારણે વાત જાણી લીધી.

"અરેરે ! એને ને મારે આટલું બધું છેટું પડી ગયું ?" એક કહેતાં તો એનો ઘા ઊઘડી ગયો. ચારણ પણ ચારણ્યની પાછળ ગયો. કાકા,