પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મારાં એ પાપ મને નડ્યાં. હું અધરમનું વેર લેવા ચડ્યો, પણ મે'ય અધરમ કર્યો. મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ. પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું."

કાત્યાળે દિલાસો દીધો : "તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી. પણ હવે એ બધું વીસરી જા, ભાઈ !"

સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે : "બાપુ, રામ રામ." એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યો.

આપા માણશિયાવાળાએ કાત્યાળને આંબાગાલોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું.

થોડે મહિને દરબાર માણશિયા વાળા ફરી વાર પરણ્યા. હાથગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથગજણામાં થોડી ભેંસો આપવા માંડી. દરબારે મોં ફેરવ્યું.

કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી.

દરબારે મોં ફેરવેલું જ રાખ્યું.

કાત્યાળના મનમાં વહેમ આવ્યો : 'હાં ! દરબારને પાછો પોતાનાં દીધેલ ગામનો લોભ થયો છે.'

"લ્યો, બાપુ, હાથ કાઢો. આંબાગાલોળા પાછું આપું છું."

"ભોળા કાત્યાળ ! કાઠીના દીકરા છો, એ ભલશો મા. તે દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એનો એ માણશિયો આ જ નથી રહ્યો હો ! મારે તમારા ગામનો લોભ નથી."

"ત્યારે બાપુ, હાથ કાઢો. લ્યો, બીજું તો કાંઇ નથી; આ મારું માથું હાથગજણામાં આપું છું."

"બસ, ભોળા કાત્યાળ !" દરબારનું મન સંતોષ પામ્યું. બે વરસ વીતી ગયાં. આંબાગાલોળે ખળાં ભરાતાં હતાં, કાત્યાળ ત્યાં તપાસવા ગયેલા. પાછળથી ચાચઈ ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલા વાગ્યા. દરબાર લડાઈની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભર્યો.