પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩પ

રા' નવધણ


આજ આ અસુરો મારા ઉર ( છાતી ) ઉપર પડયા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યું. કારણ કે,


નહિ મોસાળે માવલો, નહિ માડીજાયો વીર,
સંધમાં રોકી સુમરે, હાલવા નો દે હમીર.

મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ અાંહીં રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કૂડી છે, ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વહાલો ( મામો ) કે નથી મારે માનો જણ્યો ભાઈ, એટલે જ મારી આ ગતિ ને !

નવઘણ વાંચી રહ્યો. ડળક ડળક એનાં નેત્રોમાંથી અાંસુ દડવા લાગ્યાં. બહેનને મારી પાંતીનું આટલું બધું એાછું આવ્યું ! કેમ ન આવે ! આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે !

નવઘણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ માંડીને અથ-ઈતિ કહી : " માલ લઈને અમે જંગલેામાં નદીકાંઠે નેસ નાખીને પડયાં હતાં. અમે સહુ ચારવા નીકળેલા. વાંસેથી જાહલ તળાવકાંઠે નહાતી હતી. શિકારે નીકળેલા હમીર સૂમરાએ જાહલનાં રૂપ નીરખ્યાં. હેમની પાટ્ય સરીખા સોરઠિયાણીના વાંસા ઉપર વાસુકિ નાગ પડયો હોય તેવો સવા વાંભનો ચોટલો દીઠો. આહીરાણીનાં ગોરાંગોરાં રૂપ દીઠાં; પહાડપુત્રીની ઘાટીલી કાયા દીઠી; સૂમરો ગાંડોતૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી. અમે બહુ સૂનમૂન થઈ ગયાં. પણ જાહલે જુક્તિ વાપરી: 'મારે છ મહિનાનું શિયળવ્રત છે. માતાની માનતા છે. પછી ખુશીથી સૂમરા રાજાનું પટરાણીપદ સ્વીકારીશ.' એવું કહી ફોસલાવી, છ માસની મહેતલ મેળવી, આ કાગળ લઈ અાંહી મને મોકલ્યો છે. હું છાનેમાને નીકળી આવ્યો છું.