પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૩૪


" અને, હે ભાઈ!

તું આડો મેં આપિયો, વાહણુમાયલો વીર,
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી !

તારી આડે – તારી રક્ષા ખાતર – તે મેં મારા માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે !

પણ શું બન્યું છે? બે'નડી ઉપર શી વિપત પડી છે ? બહેન આજ આવાં આકરાં સંભારણા કાં આગળ ધરી રહી છે ? પછીનો સોરઠો વાંચ્યો :

તું નો'તે જે નુઈ, તે તું હુતે હુઈ!
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી !

હે વીરા ! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતાં છતાં આ બધું આ જ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહેાતું ભોગવવું પડયું. વિધાતાના કેવા વાંકા લેખ !

" હે ભાઈ !

કૂવે કાદવ અાવિયા, નદીએ ખૂટ્યાં નીર,
સોરઠ સતાળો પડ્યો, વરતવા આવ્યા વીર !

સોરઠ દેશમાં સુડતાળો કાળ પડયો, નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં, અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારૂ છેક અાંહી સિંધમાં આવવું પડયું.

" અાંહીં અમારા શા હાલ થયા છે ?


કાબલિયા નજરું કરે, મુંગલ ને મિયાં,
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.

મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે, એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે.