પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૩૮


બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે ? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય, એ રીતે માતૃપક્ષ ને પિતૃપક્ષ બેઉ જેનો ઊજળા છે, ને જેણે નાની-શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવઘણને તે દિવસે જમાડયો, તે તું જ હતી, હે આઈ વરૂવડી! ભૂખ્યાંને વાળુ કરાવીને, હે સુવાડનારી !

“ આ કોનો નેસ ?” નવઘણે સાથીએાને પૂછયું.

“ આ ખોડનો નેસ, સાંખડા નરા નામના ચારણનો.”

ત્યાં તે સહુની નજર સૈન્યની સન્મુખ ચાલી આવતી એક કન્યા સામે મંડાઈ ગઈ. કૂડું રૂપ : કાળો વાન : કાળા કાળા લોઢા જેવા આગલા બે દાંત બહાર નીકળી ગયેલા : કાળી લોબડીના ઓઢણાથી મુખમુદ્રા વિશેષ વહરી લાગે છે : પણ ચાલી આવે છે ધીરાં ધીરાં મક્કમ ડગલાં માંડતી. ગગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાનો પણ એને ભેા નથી : પહાડ જેવડા તોખારો હડફેટમાં લઈને હમણાં પીલી નાખશે એની એને પરવા નથી : કરડી અંગાર ઝરતી આંખોવાળા પડછંદ હથિયારધારી જોદ્વાઓ જાણે એને મન મગતરાં છે : અગ્નિશસ્ત્રો જાણે એને મન પારણામાં રમવાના ઘૂઘરા, ધાવણી અને પોપટલાકડીએા છે : એવી એક ગામડાની કુમારિકા, નીતરતો ચોટલો ઝુલાવતી, લોબડીના ચારે છેડા છૂટા મેલતી, હાથ હીંડોળતી, સામે પગલે ને સમી ચાલે ચાલી આવે છે.

“ એ બાઈ, તરી જા ! છેટી તરી જા !” એવા ચાસકો કોઈએ કટકમાંથી કર્યો.

તેાયે કન્યા ચાલી આવે છે. મારગની વચ્ચોવચ : મોં મલકાવતી : સામે પગલે.

લગોલગ આવી ગઈ. મોખરે ચાલતા નવઘણે ઝપડાની વાઘ ખેંચી. પહાડ જેવડો ઘોડો થંભી ગયે. કન્યાએ આવીને આઘેથી બે હાથે નવઘણનાં વારણાં લીધાં : “ખમા