લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૪૦

“પણ આઈ ! મારું માણસ જાડું છે. તમારો નાનકડો નેસ – ”

“પણ તમને નેસમાં કોણ લઈ જાય છે ? આ સામે વડલાને થડ, અમે સાતે બોન્યુ જમણભાતાં કરીએ છીએ ત્યાં જ શિરામણી કરાવવી છે તમને સહુને.”

નવઘણને આ બાળચેષ્ટા ઉપર હસવું આવ્યું : “આઈ, માફ કરો તો ઠીક.”

વરૂવડીએ ઝપડા ઘોડાની વાઘ ઝાલી : “નહીં જાવા દઉં. તમને નવ લાખને ભૂખ્યાતરસ્યા જાવા દઈને શું અમે સાત બેાન્યું જમણ ભાતાં ખાશું ? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય, વીરા મારા ! વિચાર તે કર !”

મોખરે એવી રકાઝક ચાલી રહી છે, નવ લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકળા થઈ રહેલ છે, તે વેળા કટકની પછવાડેના ભાગમાં –

[ ૩ ]

દળ [૧] વાટ વહેતે કિયો દવીઅણ[૨] થાટ[૩] કુણસર [૪] થંભવે?
મખ [૫] નાટ [૬] બેાલ્યો જાટ [૭] મત [૮]સે હાટ બળહટ કણ હવે ?
ફેરવે અણ દન [૯] ભાટ ફડચી, ઘાટ અવળે તે ધડી,
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!

જે વખતે રસ્તામાં સેના થંભી ગઈ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પાતાનું મોં જરા મરડીને, ત્રાંસી નજરે ગુમાનથી વરૂટવડી સામે જોતો જડ બુદ્ધિનાં ખરાબ વચને કાઢવા લાગ્યો : એવી તે શી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું ? આંહીં તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ


  1. દળ- લશ્કર
  2. દવીઅણ - દુવેણ, ખરાબ વચન.
  3. થાટ - સેના
  4. કુણસર - કોના સારુ
  5. મખ - મુખ
  6. નાટ - ખરાબ
  7. જાટ - જડ, જાડી
  8. મત - બુદ્ધિ
  9. અણ દન - એ દિવસે.