પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરો !

"આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.”

એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : “આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !"

થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.

“– ને આ ઊનની દળી.” એમ કહેતા ત્રીજા ભાઈ આાગળ આવે છે. “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છેલાય. ખાસ બનાવીને આણી છે હો !”

ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એાઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે.

દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે.

૯૪