પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫

દીકરો !

દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.

આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે : “કાઠીએામાં આ કઢીચટ્ટાપણું કયારથી પેઠું, ભાઈ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?”

“ ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડયું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.”

“ હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના એથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.”

બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયેા. એના બોલ ડાયરાને કાને પડયા, અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : “ ઈ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા ! ”

“આપા દેવાત વાંક !” આદમીએ થડક્યા વિના જવાબ દીધો : “ઈતો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુ:ખ થાવું જોવે, હરખાવું નો જોવે.”