પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૧૦


બે દહાડાથી ન જોયેલા, જીવ જેવા વહાલા પોતાના ઘરવાળાને સાકાર કરવા જાસલ સામી ચાલી, અને હસતે મુખે એાસરીની ધાર પાસે આવી ઊભી રહી, પણ ત્યાં તો કાંઈ જ પૂછયાગાછયા વિના વિકરાળ મુખમુદ્રાવાળા ભેડાએ તેના અંગ ઉપર ચાબખાને પ્રહાર કર્યો. શરીરે સાપ વીંટાતે। હોય તેમ “ફડાક” અવાજ કરતો ચાબખો બે-ત્રણ આંટા જાસલના કુમળા શરીર ઉપર વીંટળાયો, અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું. જાસલની કનકવરણી કાયામાંથી લોહીની શેડો વછૂટી.

આ દૃશ્ય જોવા ચોગમ મેદની માતી નહોતી; અને તેમાં પણ આજે પુનસરીના હરખનો પાર નહોતો. એના મુખમાંથી “રાંડ વાલામૂઈ, મેરને ઘરમાં ઘાલીને અમારું નાક વઢાવ્યું !” એવાં મે'ણાંને વરસાદ વરસી રહ્યો હતો.

પહેલાં તો પવિત્ર જાસલ, પતિના અચાનક કોપનું કારણ સમજી શકી નહિ, પણ શેાક્યનાં વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી. એ આવેગમાં તે બોલી : “હે જગદંબા, હે માવડી, જો હું પવિતર હોઉં તે તારા સાચના બે છાંટા મારા પર નાખીને મારું સતીપણું સાચવજે. આઈ, વધારે કાંઉ કહું ?”

આવા ઉચ્ચાર કરી તેણે લોચનો બંધ કર્યાં. થોડી વાર લગી તેનું અંગ સ્થિર જણાયું પણ ધીમે ધીમે તેની મુખકાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય કાંતિનો સંચાર થયો. રૂપેરી ટોટીએાથી શોભતા બન્ને કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો.

આ અદ્‍ભુત પ્રભાવ જોતાં જ તમાશો જોવા ઊભેલી માનવમેદની ઝંખવાણી પડી ગઈ અને “આઈ, ખમૈયા કરો, અમે તમારાં છોરું છીએ, અમારી ભૂલ થઈ, છેારુ કછેરુ થાય