પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઈ જાસલ
૧૧૧


પણ માવતર કમાવતર ન થાય. વડાંને વકાર ન શોભે. માવડી, તારે જે જોઈએ તે માગી લે, જગદંબા : પણ અમારી ઉપર અમીનો છાંટો નાખજે.” ઈત્યાદિ વચનો બોલી પગે પડી જાસલને વીનવવા લાગી.

જાસલ બોલી : “તમારામાંથી કોઈ અસવાર ઝટ કૂછડીએ જાઓ, ને મારા ભાઈ લાધવાને કહો કે :

સત ચડિયું શરીર, અધઘડી ઉભાયે નહિ,
માડી માયલા વીર, ( તું )વહેલો આવે લાધવા !

હે લાધવા, મારા શરીરમાં સત ચડ્યું છે, એટલે હવે સંસારમાં અધઘડી પણ ઊભાય એમ નથી, આ જાસલ તારી વાટ જુએ છે, તે હે માના જણ્યા વીરા, તું વહેલો આવ.

સળગી સમંદર માંહ્ય, એકલ ઓલાણી નહિ,
કૂછડિયા કુળ ભાણ, વે'લો વળજે લાધવા !

ભાઈ ! આ તો સમુદ્રનાં જળમાંથી જ્વાળા સળગી છે, એટલે કે મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઊગી છે. મુજ એકલીથી એ લાય ઓલવાતી નથી, હે કુળભાણ કૂછડિયા, તું વહેલો આવજે.

અગર ને અબીલ, જાત્યું બે જૂજવિયું,
કૂછડિયા, કુળવીર, લેતો આવે લાવા !
સસ્વાદીલું સગા, ભેાજનમાં લઈ ભેળવીએ,
( તે ) સોરંભી સગા, લેતા આવે લાધવા !

તું આવ ત્યારે ખાલી ન આવતો. હું સતી થાઉ છું તો તેને લાયકનો સામાન પણ જોઈશે. જુદી જુદી જાતનાં હોવા છતાં પણ સાથે જ વપરાતાં અગર અને અબીલ જોઈશે. ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમવાળું ઘી પણ જોઈશે. તે તમામ લેતો આવજે.

આજ્ઞા સાંભળતાં જ ગામેાટ ઘોડીએ ચડીને કૂછડી તરફ ધાયો, લાધા મેરને મળ્યો, અને તેને બહેનનો સંદેશો કહ્યો.