પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૨૦

વાછડાં લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી મા ઝૂરશે. આ વાછડાં આંહીં ને આંહીં થીજી જશે. ને હવે બહુ તાણ નથી રહ્યું, એમ વિચારી સાંગો વાંછડાંને હાંકી પાણીમાં ઊતર્યો. બીજા બધાં વાછડાં તો ઊતરી ગયાં. પણ સાંગાએ જેનું પૂછડું ઝાલ્યું હતું તે વાછડો મધવહેણમાં લથડયો. સાંગો તણાયો કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઊઠયાં : 'એ ગયો, એ તણાયો.' પણ એને બચાવવા કોઈ ન પડયું. પાણીમાં ડુબકાં ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બેાલે છે ? એને બીજુ કાંઈ ન સાંભર્યું :

જળ ડૂબંતે જાય, સાદ જ સાંગરીએ દિયા,
કહેજે મારી માય, કવિને દીજો, કામળી.

પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ' ઓ ભાઈઓ , મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે.

નદીઅાં, વેળુ, નાગ, સાદ જ સાંગરીએ દિયા,
તોશો કાંઈ ત્યાગ, મન જોજો માઢવ તણું.


નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે, છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે 'કવિને કામળી દેવાનું ન ભૂલજો.' એને બીજુ કાંઈ નથી સાંભરતું. હે સાંગા, કેવો તારો ત્યાગ ! માઢવ રાજા રોજ ચારણેાને લાખપસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન અાવે.

સાંગરીએ દીધા શબદ, વહેતે નદપાણી,
દેજો ઈસરદાસને, કામળ સહેલાણી.

વહેતાં પૂરમાં તણાતાં તણાતાં સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદરૂપે એ કામળી દેજો.

માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલેાપ થઈ ગયો. નદીનાં મોજા એને દરિયામાં ઉપાડી ગયાં.