પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧પ૯

કાંધલજી મેર

નહિ રહે. એણે રા'ને કહેવરાવ્યું : “અમારા કાંધલજીભાઈ ત્યાં છે. આ બાબતમાં એ જે કરે તે અમારે કબૂલ રહેશે.”

રા'ને તો એટલું જ જોતું હતું. કાંધલજી તો આપણો આશ્રિત છે : એ બીજું બોલે નહિ. એવો વિચાર કરીને કચેરીમાં કાંધલજીભાઈને રાણાનો કાગળ વંચાવ્યો. વાંચીને ગર્વથી, પ્રેમથી, ભક્તિથી, કાંધલજીની છાતી એક વેંત પહોળી થઈ, અને એના અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતરર્યામી અંતરમાં બોલી ઊઠ્યો : 'વાહ મારા ધણી ! તેં તેા મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો.'

“કેમ કાંધલજીભાઈ !” રા'એ હસીને પૂછ્યું : “જોયાં તમારા જેઠવાનાં જોર ?”

ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી ઝાપટીને કાંધલજી બોલ્યા : “બાપ ! મારો ધણી તો ગાંડિયો છે. ઢાંક તો અમારી મા કહેવાય. એને જવાબ દેતાં ન આવડ્યું. દીકરીનાં માગાં હેાય, પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે ?” એટલું બેાલતાં તો એની આંખમાં અંગારા મેલાઈ ગયા.

રા'નું રૂંવાડે રૂવાડું ખેંચાઈને ઊભું થઈ ગયું. એણે કહ્યું : “કાંધલજી, જૂનાગઢના રોટલા બહુ દી ખાધા. હવે ભાગવા માંડ્ય. ત્રણ દિવસની મહેતલ આપું છું. ચોથે દિવસે તું જ્યાં હોઈશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઈશ.”

કાંધલજી ઊભા થયેા. ભેટમાં તરવાર હતી તે ખેંચી કાઢીને એની પીંછીથી ત્યાં ને ત્યાં ભોંય ઉપર ત્રણ લીટા કર્યા. અક્કેક લીટો કરતો ગયો અને રા'ની સામે જોઈ બેાલતો ગયો : “આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ. જૂનાગઢના રા' ! તારી મહેતલના ત્રણ દિવસ પૂરા થઈ ગયા. લે હવે, આવ પડમાં, કર ઘા. મેરને મરતાં કેવુંક આવડે છે તે જોઈ લે.”