પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

30


મચ્છુ નદીને કિનારે તલવાર કાઢીને વૃદ્ધ ફકીરો કરપડો[૧] સામે કાંઠે ઊભેલા શત્રુઓની સનસન ગોળી વડે વીંધાઈને પોતાના બાલ રાજાને ખાતર જ્યારે પડે છે, ત્યારે એ શું કરવા લાગે છે ? પોતાની પછેડીની ફાંટમાં ધૂળ ભરવા માંડે છે ! સામે કાંઠેથી સાદ આવ્યો : 'ફકીરા, સનેપાત ઉપડ્યો શું ?' 'એ બાપ, સનેપાત નથી; પૂરેપૂરી સાધ છે, મારા ધણીને સ્વર્ગાપરમાં જઈને કહી શકીશ કે, હે ધણી ! જીવતાં તો તારી ધરતીને મેં તારા પુત્ર માટે રક્ષી રાખી, એક તસુય શત્રુઓને હાથ જવા ન દીધી, પણ મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, શત્રુઓને દીધી નથી.' આટલું ઉચ્ચારીને એ વીર છેલ્લા શ્વાસ સુધી ફાંટમાં માટી ભરતો રહ્યો.

ઈસો ને આસો પણ મરતી વખતે જે શુદ્ધિ દાખવે છે તે આપણે જોઈ ગયા. હવે બીજો પ્રકાર જુઓ. રાઠોડ ધાધલ[૨] અને કલોજી લૂણસરિયાના[૩] મૃત્યુની અંદર છેલ્લી ઘડી આવી પહોંચતાં તો શત્રુઓ ભુલાયા, હરાજીત ભુલાઈ, બીજુ કાંઈ ન યાદ આવ્યું. વેર-ઝેર એના આત્માની અંદરથી ઓસરી ગયાં. સ્મૃતિ રહી તે માત્ર પોતાના મૃત્યુની વિધિની. રાઠોડ ધાધલનું અંતરિયાળ મૃત્યુ થયું એટલે પિંડ મૂકનાર કોણ ? લોહીને ધૂળમાં ભેળવી ગારાના ત્રણ પિંડ કરી પોતે એ ક્રિયા ઉકેલી. તલવારની મૂઠને વૃક્ષઃસ્થળ પર રાખી સૂતા. અખંડ ઊંઘ લઈ લીધી, અને કલોજીએ ગારાના શિવજી બનાવી સમરાંગણમાં પોતાની ગરદન વાઢી કમળપૂજાનાં વ્રત પાંચ વરસ પહેલાં પૂરાં કર્યા. એટલી બધી શુદ્ધિ ! એવું મીઠું વિસ્મરણ ને એવું અખંડ આત્મભાન !

જાપાનમાં કંઈક એવી જ મૃત્યુપ્રથા હતી. રાજ્ય કે રાજા પ્રત્યે ગંભીર દોષ થયો હોય ત્યારે જાપાની ક્ષત્રિયો ઘરમાં બેસી હારાકીરી કરે,


  1. '૧. કરપઠાની શૌર્ય કથાઓ : ફકીરો કરપડો' ('સૌરાષ્ટ્રની રસધાર' ભાગ ૨)
  2. ૨. 'સૌરાષ્ટ્રની રસધાર', ભાગ ૩.
  3. ૩'સૌરાષ્ટ્રની રસધાર', ભાગ ૩.