પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘેાડી ને ઘોડેસવાર

એાળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.

મેંકડા અને ઈતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હું ય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં – જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય ! જોગમાયાના સમ શું એ રૂપ ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત !

આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : “ સામે કાંઠે લઈ જશે ?”

કોળીઓ બોલ્યા : “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને – બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે !”

“પાણી ક્યારે ઊતરશે ?”