પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘેાડી ને ધોડેસવાર

કા'ન અને ગોપીનાં એ મોરાં : અને હેમની દીવીમાં પાંચ- -પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબા-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ : મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં : “આપા, ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો ! આવું કેસૂડાના જેવું બાળક કરમાઈ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રેાશો.”

“જે થાય તે ખરી, ભાઈઓ ! તમારે કાંઈ ન બોલવું.” આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો, કાઠિયાણીને કહ્યું : “બેસી જાઓ.”

જરાયે અચકાયા વિના, કાંઈ યે પૂછપરછ કર્યા વિના, “જે માતા !” કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખેાળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો ! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહેાંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં – એવા અડગ વિશ્વાસથી એ ઊભેા હતેા. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઉતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-ન-છબ્યા પગે એ ઊભી છે.

ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક