પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૪

મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી : એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.

માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યેા હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. “બાપ માણકી ! મા માણકી !” – એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું, ત્યાં ને ત્યાં જળ મૂકયું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં.

એંસી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર તો જાતવંત ઘોડાં હતાં : પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો.

“ રંગ ઘેાડી - ઝાઝા રંગ !” એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.

[ ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલાં બાળક માતા ત્રણ. -ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલડ્યે ( પાછળ ) બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે. ]