પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૩

૩૬

મરવું ભલું – એમ વિચારીને, બાપુ, જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે; માળા લઈને બેસી ગયા છે.”

રાજાજી ઊભા થયા. અડડડ ! આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાનાં બંધ બારણાં પર ટકોરા દઈને રાજાજી બોલ્યા : “જોગાજી, આવાં તે વેન હોય ? ગાંડા થાઓ મા ! એ સ્વપ્નાની વાત !”

અંદરથી જવાબ આવ્યો :

“બાપુ ! રજપૂતનો દીકરો શું સ્વપ્નામાંયે મોતથી ભડકીને ભાગે ? એને વળી સ્વપ્નનું શું અને સંસાર શું ? નક્કી મારાં માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે ! હાય ! હાય ! હું ભાગ્યો !”

આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું : “જોગાજી ન ખાય ત્યાં સુધી મારેય અન્નજળ હરામ છે.”

જોગાજી મૂંઝાયા : લાખોને પાળનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે ! નિસાસો નાખીને એણે સંભળાવ્યું : “એક રીતે પ્રાણ રાખું : દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. એમાંથી જીવું તો દેહ રાખું.”

બીજો જ દિવસ નક્કી થયેા. નગરનાં નરનારીએા ઊભી બજારે અટારીએા ઉપર ચડી ગયાં. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોળતો હિલોળતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ; શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉઘાડી કટારી.

એ નિર્જન સૂમસામ બજારમાં સિંહલદ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો, જાણે કે એના ચક્રવર્તી