પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાઠિયાણીની કટારી

કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે.

બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાનાં પૈડાંમાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી. ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણે સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટનાં ધીરાં-અધીરાં મેાજા વગડાના સૂસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતાં હતાં. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝુલ્યોમાંથી અને બળદનાં શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડાં આભલાં જાણે સૂરજનાં કિરણોની સામે સનકારા કરી રહ્યાં હતાં. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજુ કોણ કરી જાણે?

એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી

હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું

૬૮