પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૮૦

પોતાના માનીતા ચાકરને આવી નવાજેશ કરીને લાખા ખાચરનું હૈયું ખૂબ હરખાણું, ઘાટ પણ પૂરેપૂરો ઘડાઈ ગયો !

સરલાની સીમમાંથી લાખા ખાચરના અસવારોએ ભેંસો વાળી, ગોવાતીએાની ડાંગો આંચકી લીધી. ગોવાતીઓ ચીસો દેતા દેતા રાણા કરપડા પાસે પહોંચ્યા. રાણાના ત્રણ મોટા દીકરા : શેલાર, વાઘો અને ભોકો ઘેર હતા. પણ નાનેરો આલેક કણબાવ્ય ગામે ગયેલ.

૨.

સાંજ ટાણે આલેક ચાલ્યો આવે છે. ઘોડી ઉપર ફક્ત ડળીભર બેઠો આવે છે. જાંઘ નીચે તરવાર દબાયેલી છે. ત્યાં એણે સરલાનો બૂંગિયો ઢોલ સાંભળ્યો.

“મારા ગામને પાદર બૂગિયો !” આલેક બબડ્યો. ચમકીને એણે ઘોડીને એડી મારી. પલક વારમાં પાદર આવ્યું, પણ ઝાંપા બંધ દેખ્યા. અંદર રાણો કરપડો ઊભેલા. આલેકે સાદ કર્યો : “ ઝાંપો ઉઘાડો.”

“બાપ આલેક, ઝાંપો શી રીતે ઉઘાડું ? જીવતર કડવું ઝેર થઈ ગયું, અને તું બેઠે આપણી હાથણિયું લઈને લાખો ખાચર સરલાને સીમાડે છાંડે તે દી હું સમજીશ કે આલેક પથરો પડ્યો'તો.”

"લ્યો બાપુ, ત્યારે રામરામ !”

“બાપ, ઊભો રહે, બે વેણ ભણવાં છે.”

“બોલો.”

“આલગા, ખબર છે ને? વડ્યે વાદ, અને નાંભે નાતરું હોય, હોં કે ! તારો વડિયો જ ગોતજે, ઘેંસનાં હાંડલાં ફોડીશ મા.”

“પણ બાપુ, આપા લાખાને તે કે દીયે દીઠા નથી, એનું કેમ?”