પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫

દુશ્મન


ત્રીજે દિવસે સવારે ભાયો મેર પોટલીએ (દિશાએ) ગયા હતા. પાછા આવીને નદીમાં એક વીરડો હતો ત્યાં કળશિયો માંજવા બેઠા. ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી. છેાકરી થરથરતી હતી.

ભાયો મેર બોલ્યા : “અરે, બેટા મોતી ! તું આંહીં ક્યાંથી ? બીલખેથી ભાગી કેમ ગઈ, દીકરી ?”

મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી : “બાપુ, મારી ભૂલ થઈઃ મેં તમારા ગઢનું સુખ ખોયું.”

“નારે ના, કાંઈ ફિકર નહિ, દીકરી ! તારી મરજી હોય ત્યાં સુધી આંહીં રહેજે. વળી આંહીંથી જીવ ઊઠી જાય ત્યારે બીલખે આવતી રે'જે. લે, આ ખરચી."

ભાયા મેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી. ભાયા મેરના ગઢની એ વડારણ ભાગીને ભા'કુંભાના ગઢમાં આવી હતી. આજ એ સંતાતી ફરતી હતી. એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાળશે તો મારશે. પણ આ તો ઊલટી ત્રીસ કોરી મળી !

જમવાની વેળા થઈ. બાજઠ નખાણા. કાંસાની તાંસળીઓ મુકાઈ ગઈ. પંગત સામસામી બેસી ગઈ. આજ ચૂરમાના લાડુનું જમણ હતું. ભા' કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા કરતા ઘૂમતા હતા. આજ એનો આનંદ છોળો મારતો હતો. તાંસળીમાં લાડવા પીરસાઈ ગયા. પંગતમાં ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી. ભાયો મેર દરબારગઢની પછીતે પેશાબ કરવા ગયેા હતેા. પેશાબ કરીને ઊઠે છે ત્યાં સામેથી સિસકારો સાંભળ્યો : ઊંચું જુએ તો મેાતી વડારણ ઊભેલી. મેાતીએ ઇશારો કર્યો. ભાયો મેર એની પાસે ગયો. “ બાપુ ! ઝેર !” મોતીનો સાદ ફાટી ગયેા.

"ઝેર ? કોને, મને ?”