પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૦૪


આપા પરબારા ઘોડીએ ચડીને બીલખે પહોંચ્યા. રાવત વાળાની ડેલીએ ન ગયા, પણ રસ્તામાંથી માણસોને પૂછ્યું : “ભણેં હુદડનો ઘર કિસે ?”

લોકોએ જાણ્યું કે આપો મરવા જાય છે. હુદડનું ઘર બતાવ્યું. આપા હુદડની ડેલીમાં ગયા. હુદડ ભેંસ દોતો હતો. આપાએ પડકાર કર્યો :

“ભણેં હુદડ, સાબદો થા, તાળું દાતરડું લઉ લે, દાતરડું !”

હુદડ તો પ્રચંડ કાઠી હતો. રાક્ષસી એની ભુજા હતી. તલવાર લઈને સામે આવ્યો. પણ આપાએ ફક્ત એક જ બડીકો એના માથામાં માર્યો. પહાડ જેવા હુદડ પડી ગયો. બાંધીને હુદડને ડેલીએ લઈ આવ્યા; બોલ્યા : “ભણેં રાવત વાળા, આ તાળો હુદડ !”

કુંભાજીની દેરડી અને સનાળી વચ્ચે રોજ સીમાડાના વાંધા ચાલ્યા કરતા. રાઠોડ ધાધલે દેરડીની જમીન દબાવતાં દબાવતાં ઠેઠ દેરડીની લગોલગ સુધી પોતાની સીમા વધારી હતી. જે કોઈ કણબી ખેડુ સીમાડાનું ખેતર ખેડવા આવે તે માર ખાતો, એટલે દેરડીવાળાએાએ ધોળો મહારાજ નામના એક બ્રાહ્મણ-ખેડુને તકરારી ખેતર ખેડવા આપેલું. ધોળો મહારાજ જ્યારેજ્યારે સાંતી જોડે, ત્યારેત્યારે રાઠોડ ધાધલ ત્યાં પહોંચે અને જોતર છેડી નાખે. બ્રાહ્મણના દીકરાને કાંઈ બરછી મરાય છે ?

ભા'કુંભાના સેનાપતિ પચાણજી ઝાલાનો દેરડીમાં મુકામ થવાનેા હતેા. ધોળા મહારાજે ગણતરી કરી કે, રાઠોડિયો મને રોજ સંતાપે છે, તો કાલે એને પચાણજી ઝાલાની સાથે ભેટાડી દઉ. ધેાળો મહારાજ સનાળી આવ્યા.