પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૭૨

સાદે ગઢ રાખ્યો સુદલપર,
દોખી તણો ન લાગે દાવ,
એમ કરી કસળે ઊગરિયો,
રંગ છે થાને, ખવડારાવ.

સુદામડાનો ગઢ શાદૂળ ખવડે એવી રીતે બચાવી દીધો. દુશ્મનોને લાગ ફાવ્યો નહિ. એ રીતે શાદૂળ ખવડ, તુંયે ક્ષેમકુશળ ઉગરી ગયો. ખવડોના રાજા, રંગ છે તને.

પોતાના પરાક્રમનું ગીત સાંભળી શાદૂળ ખવડે ઉદાસ મુખે ડોકું હલાવ્યું.

ચારણ પૂછે છે : “કાં, બાપ ! કાંઈ મોળું કહ્યું ?”

“ગઢવા ! કવિની કવિતાયે આભડછેટથી બીતી હશે કે ?”

“કાંઈ સમજાણું નહિ, આપા શાદૂળ!”

“ગઢવા ! તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં ? કાનિયાના નામ વિનાની કવિતાને હું શું કરું ?”

ચારણને ભેાંઠામણ આવ્યું. એણે ફરીથી સરસ્વતીને સાદ કર્યો. બે હાથ જોડીને એણે દિશાઓને વંદના દીધી, ત્યાં એની જીભમાંથી વેણ ઝરવા માંડ્યાં –

[ ગીત - જાંગડું ]

અડડ માળિયો કડડ સુદામડે અાફળ્યો,
ભુજ નગર વાતનો થિયો ભામો,
કોડ અપસર તણા ચૂડલા કારણે,
સુંડલાનો વાળતલ ગિયો સામો

માળિયાના મિયાણા સુદામડા ઉપર તૂટી પડ્યા, જાણે કે ભુજ ભણી નગર વચ્ચે યુદ્ધ મંડાયું. એ વખતે રણક્ષેત્રમાં મરીને અપ્સરાઓને પરણવાના કોડથી એક ઝાડુ કાઢનાર ભંગી શત્રુઓ સામે ગયો.