પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૬૨

થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “ રોટલા ખાવા તો રોકાઓ.”

“ભાભી! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. ઝાંપા બહાર ઢેઢવાડો છે. માથે લીંબડાની ઘટા ઝળુંબી રહી છે ને છીંક આવે એવા ચેાખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ઢેઢ બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી એાળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો; પૂછ્યું :

“કાં, બાપ, આમ રોતી કાં જા ?”

“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી, મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”

“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી ? હુંય તારો ભાઈ છું ના ! ઊઠ, હાલ્ય મારી સાથે.”

જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડી ખરચી આપી, પોતાના છોકરાને કહ્યું : “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”

ગાડું જોડીને છોકરો કુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારનાં સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઊતરી ગયાં.