પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩

ભાઈ !


બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”

"કેમ ?"

“જુઓ, ભગત ! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તે ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”

“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે ? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને ? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ?”

“ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા'તમ શું ?”

બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં ?”

“કુઈને દીધાં.”

"કાં ?"

“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુઈયારું ન આપી આવું ?”

મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”

જે ભુજાએ જોગડે દાન દીધાં, તે જ ભુજામાં એક વાર એણે તલવારને રમાડી. તે દિવસ મિતિયાળામાં એભલ વાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળું ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો. મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા !