પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૮૪

નાખો ! આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે ધોઈને પાછા દેશું."

આપા કાળાને ગળે ઘૂંટડો ઊતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે, “વંડે પહોચું. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘરે માયા ઠાલવી છે. લાવ્ય, ત્યાં જ જાવા દે.”

વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને આપા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. આપા કાળાને આવે વખતે એ ટેકો આપેય ખરો. પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામતરે ગયેલા.

ઘરમાં આયરાણી હતાં. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળુ કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી : “બાપ! બેન ! લાખાને વિવા કરવાની ઉતાવળ છે. રૂપિયા હજાર સારુ થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આંહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે.”

રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું : “આયર તો લાંબે ગામતરે ગયા છે.”

“હશે, બાપ, જેવાં મારાં તકદીર. સવારે તો હું વહેલા ઊઠીને ચડી નીકળીશ.”

રાતે બાઈએ વાળંદને કહ્યું : “આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે, અને મારો એાછાડ કાઢી લઈને નવો આછાડ પાથરજે.”

વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે, ત્યાં ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીએાનો નિયમ છે કે ઊંઘતી વખત ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે. બાઈ એ